પાટણ જિલ્લા અદાલત સંકુલમાં આજે નવા વિભાગ તરીકે લીગલ એઇડ ડીફેન્સ કાઉન્સીલ (એલએડીસી)ની કચેરીનો પ્રારંભ કરાયો હતો. સાંજે અત્રે યોજાયેલ એક કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસ અરવિંદકુમાર, જસ્ટીસ સોનિયાબેન ગોકાણી, જસ્ટીસ દેસાઇ તથા ગુજરાતનાં એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદી વિડીયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી વર્ચ્યુઅલી જોડાયા હતાં. ને પાટણ જિલ્લા અદાલત ખાતેનાં આ નવા એલએડીસી વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે પાટણ જિલ્લા અદાલતનાં આ નવા સેન્ટરનાં ઉદ્ઘાટન પ્રસંગે પાટણ જિલ્લા અદાલતનાં ઇન્ચાર્જ ડિસ્ટ્રીકટ જજ જી.જે. શાહ, પાટણ જિલ્લા કાનુની સેવા સત્તામંડળનાં સેક્રેટરી વ મેજિસ્ટ્રેટ એમ.આર. ઠક્કર, સરકારી વકીલ એમ.ડી. પંડ્યા, પાટણ જિલ્લા વકીલ મંડળનાં પ્રમુખ મદનસિંહ ચૌહાણ તથા પાટણની કોર્ટોનાં મેજિસ્ટ્રેટો-જજ, સરકારી વકીલો-સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
પાટણ ખાતેનાં આ નવા વિભાગમાં બે એડવોકેટ મિત્રોની નિયુક્તિ કરાઇ છે. જેમાં ડેપ્યુટી લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સેલર ભાવનાબેન મેવાડા તથા આસિસ્ટન્ટ કાઉન્સેલર તરીકે પાટણનાં જાણીતા વકીલ શ્રી શૈલષભાઈ પટેલ અને જાણિતા બિલ્ડર દિલીપભાઇ પટેલની પુત્રવધૂ આયુષી પટેલની વરણી કરાઇ હતી.
ગુજરાત હાઇકોર્ટે આજે પાટણ જિલ્લા સહિત રાજયની 20 જિલ્લા અદાલતોમાં ‘લીંગલ એઇડ ડીફેન્સ કાઉન્સેલ’ વિભાગની શરૂઆત કરી હતી. આ વિભાગનું કાર્યક્ષેત્ર જે તે કોર્ટમાં આવતા આરોપી જો ગરીબ વર્ગનાં હોય તો તેમને તેમનો બચાવ કરવા માટે તેઓને આરોપી અરજી આપે તો તેમને તેમનાં વતી રજુઆત કરવા માટે બચાવ પક્ષનાં વકીલની સુવિધા પૂરી પાડવામાં આવશે. પાટણ કોર્ટમાં ઉપરોક્ત સુવિધા શરૂ થયા બાદ આજે કોર્ટ સંકુલમાં જ આ બંને કાઉન્સેલરોને અલગ ઓફીસ ફાળવાઇ હતી અને બંને ઓફીસરોને ચેર પણ જજોએ આપી હતી.