અલ્હાબાદ હાઈકોર્ટે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓના ભરણપોષણને લઈને મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ માત્ર ઈદ્દત માટે જ નહીં પરંતુ આખી જિંદગી ભરણપોષણ મેળવવાની હકદાર છે. કોર્ટે એમ પણ કહ્યું કે આ રકમ એટલી હોવી જોઈએ કે આ મહિલાઓ જીવનભર સન્માનજનક જીવન જીવી શકે. કોર્ટે કહ્યું કે મુસ્લિમ મહિલા (છૂટાછેડા પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 1986ની કલમ 3(2) હેઠળ છૂટાછેડા લીધેલી મહિલા તેના પૂર્વ પતિ પાસેથી ભરણપોષણ માટે મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરી શકે છે.
‘માત્ર ઈદ્દકની જ હકદાર નથી મુસ્લિમ મહિલાઓ’
જસ્ટિસ એસપી કેસરવાની અને જસ્ટિસ એમએએચ ઈદ્રિસીની ડિવિઝન બેંચે ઝાહિદ ખાતૂનની અપીલને મંજૂર કરતા આ નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને માત્ર ઈદ્દતના સમયગાળા એટલે કે સાડા ત્રણ મહિના માટે જ નહીં, પરંતુ તેના જીવનભર ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે માત્ર લિંગ અથવા ધર્મના આધારે મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવ કરી શકાય નહીં.
શું છે સમગ્ર મામલો
ગાઝીપુરના રહેવાસી ઝાહિદ ખાતૂનના લગ્ન 1989માં નૂરૂલ હક ખાન સાથે થયા હતા. નૂરૂલ હક પોસ્ટલ વિભાગમાં કર્મચારી છે. લગભગ 11 વર્ષ સુધી સાથે રહ્યા બાદ પતિ નૂરુલ હકે અરજદાર પત્ની ઝાહિદ ખાતૂનને ટ્રિપલ તલાક આપી દીધા. આ પછી ઝાહિદ ખાતૂને ગાઝીપુરની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ગુજારાતની માંગણી કરીને અરજી દાખલ કરી હતી. વર્ષ 2014માં આ કેસને ગાઝીપુરની ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
ગયા વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ, ગાઝીપુરની ફેમિલી કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપતાં, મુસ્લિમ વિમેન્સ પ્રોટેક્શન ઑફ રાઈટ્સ ઓન ડિસોલ્યુશન ઑફ મેરેજ એક્ટ 1986 હેઠળ, અરજદાર ઝાહિદ ખાતૂનને માત્ર ઈદ્દતની અવધિ માટે એટલે કે 3 મહિના અને 13 દિવસ સુધી દિવસ દીઠ પંદરસો રૂપિયા પ્રતિ માસના દરે ભરણપોષણની ચુકવણી માટેનો ઓર્ડર જારી કર્યો. પત્ની ઝાહિદા ખાતૂને ગાઝીપુર ફેમિલી કોર્ટના આ નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે 20 ડિસેમ્બરે સુનાવણી પૂરી થયા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.