Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ સ્પોર્ટસ

બાય બાય…ગુડ બાય…2022 : ગુજરાત રાજ્યની ઘટનાઓ

પ્રદીપ ત્રિવેદી – સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ

ગુજરાત રાજ્યના ઇતિહાસમાં 2022 નું વર્ષ એ અનેક ઐતિહાસિક અને યાદગાર ઘટનાઓથી નોંધાયેલું જોવા મળ્યું છે.
આ 2022ના વર્ષ દરમ્યાન ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીના ઇતિહાસમાં ભાજપે કુલ 182 બેઠકોમાંથી જંગી 156 બેઠકો મેળવીને એક નવો ઇતિહાસ રચ્યો હતો. ગુજરાત રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત “નેશનલ ગેઇમ્સ ” ગુજરાત માં યોજાય હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન -ડે ક્રિકેટની ઐતિહાસિક 1000મી મેચ રમાઈ, આઈ પી એલ માં સૌ પ્રથમ વખત “ગુજરાત ટાઇટન્સ ” ટીમે ભાગ લીધો અને પ્રથમ પ્રયત્ને જ ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન બની, દેશમાં પ્રથમ વાર ડ્રોનથી કચ્છમાં ટપાલની ડિલિવરી કરાઈ, દેશનું પ્રથમ અને વિશ્વનું ત્રીજું ડાયનાસોર ફોસીલ પાર્ક ખુલ્લું મુકાયું, દેશનું પ્રથમ અને વિશ્વનું છઠું ઇન્ટરનેશનલ બુલિયન એક્ષચેન્જનું ઉદઘાટન વડાપ્રધાને કર્યું,મોઢેરા દેશનું પ્રથમ ‘ સૂર્ય ગ્રામ’ બન્યું,સુરતમાં સૌથી મોટું “સુરત ડાયમન્ડ બુર્સ ” ખુલ્લું મુકાયું,મેટ્રો ટ્રેન અને વંદે ભારત ટ્રેન તેમજ સોલાર સંચાલિત શિપ હજીરાથી ઘો ઘા શરુ થઇ,બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી ઉત્સવ, એર શો અને ડિફેન્સ એક્સ્પો ભવ્ય રીતે ઉજવાયો હતો.
આ વર્ષ દરમ્યાન ઇન્દ્રદેવની કૃપાથી વરસાદ પણ કાચા સોના જેવો વરસ્યો અને નર્મદા, શેત્રુજી સહિત અનેક ડેમો છલો છલ છલકાયા. ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા નંબરના ધનાઢ્ય વ્યક્તિ બન્યા હતા.
હવે 2022ના વર્ષનો સૂર્ય અસ્તાંચલે છે ત્યારે આપણે આ વર્ષ દરમ્યાન બનેલી કેટલીક મહત્વની ઘટનાઓનું… મહિનાઓ પ્રમાણે વિહંગાવલોકન કરીએ તો……
🎊જાન્યુઆરી :
નૂતન વર્ષનો પ્રારંભ કોરોનાની ત્રીજી લહેર થી થયો. રાજ્યમાં કોરોના નો પ્રકોપ વધતા રાજ્ય સરકારે વાઈબ્રન્ટ, ફ્લાવર શો, પતંગોત્સવ મોકૂફ રાખ્યો. કિશોરોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ થયો.બીજા સપ્તાહમાં બુસ્ટર ડોઝ આપવાનું શરુ થયું,97%વસ્તીને કોરોનનો પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો. રાજ્યમાં સત્તાવાર મોતનો આંકડો 10,161હતો પણ સહાય 58000 ને ચૂકવાઈ. સરોગસી માટે કાયદો બન્યો. હવેથી કૂખ એકવાર જ ભાડે આપી શકાશે. કચ્છને નર્મદાનું પાણી આપવા 4369કરોડ ના કામને મંજૂરી અપાઈ.દેશનું પ્રથમ ક્રિપટો ફ્યુચર્સ ઈટીએફ ગિફ્ટ સિટી ખાતે શરુ કરાયું. અમદાવાદમાં હેલીકૉપ્ટર રાઈડ શરુ થઇ.
🎊ફેબ્રુઆરી :
ગુજરાત કર્ફ્યુ મુક્ત થયું. કોરોનાના કેઈસ ઘટ્યા. અમદાવાદ બ્લાસ્ટ કેસનો ચૂકાદો આવ્યો. કોર્ટે 49આરોપીઓ ને દોષિત જાહેર કર્યા. જેમાંથી 38 દોષિતો ને ફાંસી અપાઈ અને 11 દોષિતોને આજીવન કેદની સજા ફરમાવાઈ. મોટા કેસમાં પ્રથમ વખત વર્ચ્યુઅલ ચુકાદો આપ્યો.અમદાવાદ મ્યુનિસિપલ નું 8111કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. યુક્રેનમાં ફસાયેલાં ગુજરાતના વિદ્યાર્થીઓ ને સ્વદેશ લવાયા. કોરોના ખતમ થતા રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં બંધ રહેલ ઓફલાઈન શિક્ષણ શરુ થયું. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાનું રાજીનામું, રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ખંડણી ઉઘરાવવાનું કામ કરતા હોવા નો આક્ષેપ. કોલસામાં 6000કરોડનું કૌભાંડ. સુરત -દહેજ સ્થિત એબીજી શિપયાર્ડ નું 23000કરોડનું કૌભાંડ. વનડે ક્રિકેટની 1000મી ઐતિહાસિક મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ. સી એ ફાઇનલમાં સુરતની રાધિકા બેરીવાલા દેશમાં પ્રથમ ક્રમે આવ્યા.
🎊માર્ચ :
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ એ કોઈ નવા વેરા વગરનું 2.43લાખ કરોડનું સામાન્ય બજેટ રજૂ કર્યું. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વાર રાષ્ટ્ર્રપતિ શ્રી રામનાથ કોવિંદે સંબોધન કર્યું. આગામી શૈક્ષણિક વર્ષથી સ્કૂલોમાં ભગવદ ગીતાનો અભ્યાસ કરવાશે. અમદાવાદમાં ગરમી એ અને કમાણીમાં અદાણી એ રેકોર્ડ તોડ્યો.
🎊એપ્રિલ :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે ઐતિહાસિક આદિજાતિ મહાસંમેલન યોજાયું. યુ કે ના વડા પ્રધાન બોરીસ જ્હોન્સન અને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથએ ગુજરાતની મુલાકાત લીધી. બનાસ ડેરીના 600કરોડના ડેરી પ્લાન્ટનું ઉદઘાટન થયું. અરવિંદ કેજરીવાલે તિરંગા યાત્રા કાઢી. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને મનીષ સીસોદીયા શાળાકીય શિક્ષણઅને સુવિધાના પ્રશ્રને આમને સામને થયાં.રાજકોટના કોંગ્રેસી ઇન્દ્રનીલ રાજગુરુ આપમાં જોડાયા.નજર ઉતારનાર ‘ લીંબુ ‘ ને નજર લાગતા તેની અછત ઊભી થઇ.10,000કરોડની સંપત્તિ માટે હરિધામ સોખડા સમરાગણ બન્યું. ગુજરાત વેન્ટિલેટર મુક્ત બન્યું. ગરમી વધતા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
🎊મે :
ગુજરાત રાજય નો સ્થાપના દિવસ પાટણમાં ઉજવાયો. વડા પ્રધાન મોદીએ કલોલમાં યુરિયા પ્લાન્ટનું, આટકોટમાં હોસ્પિટલનું ઉદઘાટન કર્યું. ગૃહ મંત્રી અમિતશાહ એ નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નું ઉદ્ઘાટન કર્યું. આપ પાર્ટીએ ‘પરિવર્તન યાત્રા ‘ થી ચૂંટણી માટે પ્રારંભ કર્યો. હાર્દિક પટેલે 1161દિવસ પછી કોંગ્રેસ છોડી. રાહુલ ગાંધીએ દાહોદ માં આદિવાસીઓને સંબોધન કર્યું. ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ 1થી 8 સુધીના તમામ એટલે કે 51.25લાખ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ કરાશે. અદાણીએ 81000 કરોડમાં સિમેન્ટ કમ્પની ખરીદી. દેશમાં પ્રથમવાર ડ્રોનથી કચ્છમાં ટપાલની ડિલિવરી કરાઈ. કોરોનોમાં 1283 બાળકો અનાથ બન્યા.આર્કીટેક બી વી દોશી ને રોયલ ગોલ્ડ મેડલથી સન્માન. સુરતમાં ગ્રીષ્માનું ગળુ કાપીને હત્યા કરનાર ફેનિલ ગોપાણીને ફાંસી ની સજા થઇ . અમદાવાદમાં 106વર્ષનો રેકોર્ડ તોડતી 47 ડિગ્રી ગરમી નોંધાઈ.
🎊જૂન :
વિશ્વમાં નરેન્દ્ર મોદી એવા વડાપ્રધાન બન્યા કે જેમની માતાએ 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હોય.વડા પ્રધાન મોદી એ નવસારીમાં 3000 કરોડના, વડોદરામાં 21000કરોડના વિકાસકાર્યો નું લોકાર્પણ કર્યું.16369 કરોડના 18 રેલ્વે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું.હાર્દિક પટેલએ ભાજપમાં પ્રવેશ કર્યો. દેશનું પ્રથમ ડાયનાસોર ફોસીલ પાર્ક મહીસાગર જિલ્લાના રૈયાલી ગામે તેમજ સુરતમાં “સુરત ડાયમન્ડ બુર્સ ” ખુલ્લું મુકાયું.5000વર્ષ બાદ સૌ પ્રથમ વાર પાવાગઢ શક્તિપીઠ પર વડાપ્રધાન મોદીના હસ્તે ધ્વજારોહણ થયું.2002ના રમખાણ કેસના અંતિમ ચુકાદામાં મોદી ને SITC દ્વારા ક્લીનચિટ. રમખાણો અંગે ખોટી માહિતી આપવા બદલ તીસ્તા શેતલવાડ, સંજીવ ભટ્ટ અને શ્રી કુમારની ધરપકડ કરાઈ. સી આર પાટીલે ‘મેક ઈન ગુજરાત ‘ વેબ પોર્ટલ લોન્ચ કરી. ધોરણ એકથી જ અંગ્રેજી ફરજીયાત. વડોદરાની શર્મા બિંદુ એ ‘આત્મ વિવાહ ‘ કર્યા. ગુજરાતી ફિલ્મ ‘નાયિકાદેવી ‘ કરમુક્ત જાહેર થઇ.
🎊જુલાઈ :
રાજ્યમાં સર્વત્ર મેઘ મહેર થઇ. 145મી રથ યાત્રા નીકળી, મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પહિન્દ વિધિ કરી.વડાપ્રધાન મોદીએ સાબર ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દેશના પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્ષચેન્જનું ઉદઘાટન કર્યું. સ્ટાર્ટ અપ રેન્કિંગમાં સતત ત્રીજા વર્ષે ગુજરાત દેશમાં મોખરાના સ્થાને રહ્યું. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમવાર એક દિવસ માટે મોક એસેમ્બલી યોજાય હતી. જીવન જરૂરિયાની ચીજ વસ્તુઓમાં 5% GST લાગ્યો. રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતને ગુજરાત કોંગ્રેસનું સુકાન સોંપવામાં આવ્યુ. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ. લમ્પી વાયરસથી હજારો પશુઓના મોત થયાં. લઠ્ઠા કાંડ અને ઝેરી દારૂ પીવાથી 75 થી 80લોકોના મોત થયાં.
🎊ઓગસ્ટ :
આઝાદીનો અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા નો મહિનો રહ્યો.કચ્છમાં ભૂકંપ માં મૃત્યુ પામેલ દિવંગતોની સ્મૃતિમાં વડાપ્રધાન મોદીએ ભુજમાં ‘સ્મૃતિ વન ‘, સાબરમતીનદી પર રંગબેરંગી અટલ બ્રિજ અને સાબરમતી કાંઠે ખાદી ઉત્સવ ખુલ્લો મુક્યો.પોલીસ માટે 550કરોડનું પેકેજ,, શહીદ જવાનના પરિવાર માટે સહાય એક કરોડ સુધીની જાહેર કરાઈ. સરકારે બિલકિસબાનું કેસના 11આરોપીને મુક્ત કર્યા. ગૌતમ અદાણીની નેટ વર્થ 137.4 અબજ ડોલરની થતા તેઓ વિશ્વ ની ત્રીજી સૌથી વધુ ધનિક વ્યક્તિ બન્યાં . વ્યાપક ભષ્ટાચારની ફરિયાદથી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ ખાતું અને પૂર્નેશ મોદી પાસેથી માર્ગ – મકાન ખાતું પાછું ખેંચી લેવાયું.
🎊સપ્ટેમ્બર :
વડા પ્રધાન મોદીએ વંદે ભારત અને મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરીને તેનું ઉદઘાટન કર્યું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36માંનેશનલ ગેઇમ્સનું ઉદઘાટન કર્યું. ભાવનગરમાં વિશ્વના પ્રથમ સી. એન. જી. ટર્મિનલનો શિલાન્યાસ અને 6500કરોડના કાર્યોનું વડા પ્રધાને લોકાર્પણ કર્યું.ભારતની પ્રથમ અને સૌથી મોટી સોલાર સંચાલિત શિપનો હજીરા થી ઘોઘા રો – રો ફેરી નો આરંભ થયો. ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને 100કરોડ ની મદદ કરાશે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો ‘ ઓસ્કાર એવોર્ડ માટે પસંદ થઇ.નર્મદા ડેમ138.40 મિટરે છલો છલ થયો.રાજ્યમાં છેલ્લા 17વર્ષમાં સરેરાશ 13% વધારે વરસાદ થયો.મોંઘવારી મુદ્દે કોંગ્રેસ એ બંધનું એલાન કર્યું હતું.
🎊ઓક્ટોબર :
વડાપ્રધાન મોદીએ મોઢેરાને દેશનું પ્રથમ ‘સૂર્યગ્રામ ‘ જાહેર કર્યું. મહેસાણા જિલ્લાને 3092 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી.સિવિલ સંકુલમાં 712 કરોડના ખર્ચે ઊભી કરાયેલ અધ્યતન આરોગ્ય સેવાનું, ગીર સોમનાથ અને પોરબંદર માં 4155.7 કરોડનું, મિશન સ્કૂલ્સ ઓફ એક્સલેન્સ નો રાજ્ય વ્યાપી શુભારંભ કરાવ્યો. ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો -2022 નું સરંક્ષણ મંત્રી રાજનાથસિંહે ઉદ્ઘાટન કર્યું.’મેક ઈન ઇન્ડિયા બાદ હવે ‘મેક ફોર વર્લ્ડ ‘નું સૂત્ર આપ્યું. મેઘાણી નગરમાં એરફોર્સનું પ્રદર્શન યોજાયું. રિવરફ્રન્ટ પર એરશો યોજાયો. મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ એ ઉદ્યોગમાટે નવી આત્મ નિર્ભર ગુજરાત પ્રોત્સાહન નીતિ જાહેર કરી.225કરોડનું સહાય પેકેજ જાહેર કરાતા કિસાન આંદોલન સમેટાયું. પાક નુકસાની સામે 630કરોડનું પેકેજ જાહેર કરાયું.બેટ દ્વારકામાં મેગા ડિમોલેશન કરાયું.નાદુરસ્ત તબિયતના કારણે ઇલાબેન ભટ્ટ એ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદ પરથી રાજીનામુ આપ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કુલપતિ બન્યા. ગુજરાત યુનિવર્સિટીમાં રાષ્ટ્રપતિ મુરમું એ સંબોધન કર્યું.માસાન્તે મોરબીનો ઝુલતો પુલ તૂટ્યો.30ઓક્ટોબર ગોજારો રવિવાર બન્યો હતો.
🎊નવેમ્બર :
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી બે તબક્કામાં, પહેલી અને પંચમી ડિસેમ્બર જાહેર થઇ. ભાજપ, કોંગ્રેસ અને આપ ના ચૂંટણી ઢંઢેરાઓ જાહેર થયાં. આપ દ્વારા ઈસુદાન ગઢવી ને મુખ્ય મંત્રીના રૂપે રજૂ કરાયા . વડા પ્રધાન મોદી એ કપરાડાથી ચૂંટણી સભાઓ શરુ કરી. કુલ 27 સભાઓ, રોડ શો વિગેરે કર્યા, કુલ 810 મિનિટ ભાષણ આપ્યું. ‘ આ ગુજરાત મેં બનાવ્યું છે ‘.એવું નવું સૂત્ર આપ્યું.જ્યનારાયણ વ્યસે ભાજપમાંથી અને ઇંદ્રનીલરાજગુરુ એ આપમાં થી રાજીનામુ આપી કોંગ્રેસમાં જોડાયા. ભાજપે મધુશ્રીવાસત્વ સહિતના 12નેતાઓને સસ્પેન્ડ કર્યા. વિજય રૂપાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, સૌરભ પટેલ સહિત આંઠ મોટા નેતાઓએ ચૂંટણી નહિ લડવા જણાવ્યું.કેન્દ્રએ ગુજરાતને 856 કરોડ GST વળતર આપ્યું. મોરબી પુલ દુર્ઘટનામાં કુલ 135લોકો માર્યા ગયા.2જી નવેમ્બરના રોજ રાજ્યભર માં ‘શોક દિન ‘ માનાવાયો.તમામ જિલ્લોમાં 5G, નેટ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું. IIM-A ના ચેર પર્સન તરીકે પંકજ પટેલની નિમણુંક કરાઈ. મંજુ મહેતા અને સ્મિતા શાસ્ત્રી ને સંગીત, નાટક અકાદમી એવોર્ડ મળ્યો. શૂટર ઈલાવેનીલ વેલારિવાન અને માનસી જોશી ને અર્જુન એવોડ મળ્યો. સેવા સંસ્થાના સ્થાપક ઇલાબેન ભટ્ટનું અવસાન થયું.
🎊ડિસેમ્બર :
ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાં થી 156 બેઠકો જીતીને ભાજપે એક નવો ઇતિહાસ રચ્યો હતો.સૌ પ્રથમવાર કોઈ એક પક્ષને આટલીબધી બેઠકો મળી. કોંગ્રેસને માત્ર 17 અને આપ ને 5 બેઠકો મળી.ભાજપ સતત સાતમી વખત ચૂંટણી જીતનાર પ્રથમ રાષ્ટ્રીય પક્ષ બન્યો. ભુપેન્દ્ર પટેલ સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યા. ભુપેન્દ્ર પટેલ એ વડાપ્રધાન મોદી ની હાજરીમાં 18 માં મુખ્ય મંત્રી તરીકેના શપથ લીધા હતા. આ પહેલા પહેલી તારીખે 19 જિલ્લાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો વચ્ચે સરેરાશ 63.31% વોટિંગ થયું હતું બીજા તબક્કા માટેનું વોટિંગ 5મી ડિસેમ્બરના રોજ 14જિલ્લાની 93 બેઠકો માટે થયું હતું. જેમાં વડા પ્રધાન મોદીએ રાણીપ માં આવેલ નિશાન સ્કૂલમાં વોટિંગ કર્યું હતું. વોટિંગ પહેલા વડાપ્રધાન મોદી એ અમદાવાદમાં ઐતિહાસિક 32કિ મી. નો લાંબો ભવ્ય રોડ શો કર્યો હતો. બન્ને તબક્કા સાથે સરેરાશ 64.33% મતદાન થયું હતું. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન વડાપ્રધાન મોદીએ કર્યું હતું. એક મહિના સુધી આ મહોત્સવ ‘ફેસ્ટિવલ ઓફ ઇન્સિપીરેશન ‘ તરીકે ઉજવાશે.
( 15મી,ડિસેમ્બર, 2022સુધી )

Share

Related posts

અમદાવાદમાં પ્રિકોશન ડોઝ માટે અર્બન હેલ્થ સેન્ટરો પર AMC દ્વારા શરૂ થઈ વ્યવસ્થા

Admin

કામની વાત / ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે આ 5 ભૂલો ન કરતા, નોટિસ અને ટેક્સ બંનેથી બચી જશો

gujaratjanekta

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઇ : ૧૪૨૩ ખેડૂતોએ લીધો ભાગ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial