હાલ આખા દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા યુગલો પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે, આ દરમ્યાન લગ્નને લઈને ઘણી એવી ખબરો પણ સામે આવી રહી છે કે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. હાલ એવા જ એક લગ્નની ખબર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાંથી સામે આવી છે. જ્યાં એક દીકરી બગી પર સવાર થઈને લગ્ન મંડપમાં જતી જોવા મળી રહી છે. દરેક દીકરીના બાળપણથી જ કેટલાક સપના હોય છે, નાની ઢીંગલીથી લઈને લગ્નમાં શાનદાર એન્ટ્રી કરવા સુધીના સપના આજે દીકરીઓ જોતી હોય છે, પરંતુ ઘણી દીકરીઓના સપના પૂર્ણ નથી થતા અને ઘણી દીકરીઓના સપના પૂર્ણ થઇ જતા હોય છે. આવું જ એક સપનું કાલોલના નિકિતા રાકેશભાઈ સોલંકી એ પણ જોયું હતું. જેને તેના પિતાએ પૂર્ણ કર્યું. આજની છોકરીઓ જ્યાં ઘોડા પર, બુલેટ પર, રૂફટોપ કાર બેસીને જવાના સપના જોતી હોય છે ત્યાં નિકિતાએ બગી પર બેસીને લગ્ન સ્થળ પર જવાનું સપનું જોયું હતું. તેમના આ સપનાને નિકિતાના પિતા રાકેશભાઈ સોલંકીએ પૂર્ણ કર્યું અને નિકિતાને બગીમાં બેસાડી વાજતે ગાજતે લગ્ન મંડપ સુધી લઇ ગયા.
પોતાની દીકરીની ઈચ્છા પૂર્ણ કરવા માટે પિતા રાકેશભાઈએ ખાસ કાલોલથી બગી મંગાવી જેના પર નિકિતાને બેસાડ્યા, સાથે જ ડીજેના તાલ પર સગા, સંબંધીઓ, મિત્રો અને સ્નેહીજનો વાજતે ગાજતે લગ્ન મંડપ સુધી પહોંચ્યા હતા. પિતાએ આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે નિકિતાએ નાનપણથી જ બગીમાં બેસવાનું સપનું જોયું હતું જે મેં આજે પૂર્ણ કર્યું.
અમારા પત્રકારે તેમની સાથે વાત કરતા નિકિતાએ જણાવ્યું હતું કે, “કન્યા ડોલીમાં જાય, કારમાં જાય, રૂફટૉપવાળી કારમાં જાય પણ મારી ઇચ્છા હતી કે બગી પર સવારી સાથે મારી વિદાય કરવામાં આવે. મારી નાનપણથી ઇચ્છા હતી કે મારે આવી રીતે શાહી સવારી લઈને લગ્નમંડપથી ઘર સુધી જવું છે તો મારા મારા પિતા રાકેશભાઈ સોલંકીએ મારી ઇચ્છા પૂરી કરી છે. કાલોલના રસ્તાઓ પર નિકિતાને બગીમાં બેસીને જાણે શાહી સવારી નીકળી હતી, જેને જોવા માટે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. નિકિતાને બગીમાં બેસીને આ રીતે લગ્ન મંડપ સુધી જતા જોવા પણ એક લ્હાવો હતો. હાથમાં તલવાર લઈને નાચતા ગાતા નિકિતા લગ્ન મંડપ સુધી પહોંચ્યા હતા.